ભરૂચ,
ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત તલોદરા ગામની પ્રાથમિક શાળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે GPCBનાં પ્રતિનિધિ સુચિતા વાઘેલા તથા ગામના અગ્રણી વિઠ્ઠલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કંપની તરફથી EHS હેડ અર્પિત નાણાવટી, HR હેડ જયંતિ પરમાર સહિત અન્ય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં શાળાનાં ૧૯૦ બાળકો સહિત કુલ ૨૫૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવોથી માહિતગાર કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત બાળકોએ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાગૃતિ ફેલાવતા પોસ્ટરો બનાવ્યા હતા.પોસ્ટર સ્પર્ધાના વિજેતાઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમના અંતે બાળકો અને ઉપસ્થિત લોકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ તરીકે જ્યુટની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પહેલનો મુખ્ય હેતુ બાળકો અને ગ્રામજનોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવા, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા તથા ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા “સ્વચ્છ પર્યાવરણ, પ્લાસ્ટિકમુક્ત સમાજ”ના સંદેશને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.




