– કોંગ્રેસે ધારાસભ્ય મતદારો સમક્ષ ખોટું બોલતા હોવાનું જણાવી બદામ ખાવાની સલાહ આપી
ભરૂચ,
આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-૬૪ ઉપરના બચ્ચો કા ઘરથી બત્રીસી નાળા સુધીના ૫૦૦ મીટર લાંબા RCC રોડનું ગત રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ભાજપના કાર્યકરોની હાજરીમાં રીબીન કાપી,શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્યએ વિરોધીઓને રાજકીય ટોણો માર્યા બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો હતો.જેનાથી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી ધૂઆંપુઆ થઈ ગયા હતા.અને આજ રોજ ફરીથી એ જ રોડનું તાલુકા કોંગ્રેસ પ્રમુખે ફટાકડાની આતશબાજી કરી રોડના નિર્માણનો શ્રેય લેતા રાજકીય ખેંચતાણ જોવા મળી હતી.એક તરફ ધારાસભ્યએ રોડનું કામ પૂર્ણ થતાં વિપક્ષ પાસે હવે વિરોધનો કોઈ મુદ્દો રહ્યો નથી તેમ જણાવ્યું, તો બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તેના ઉગ્ર વિરોધ અને જનતાના અવાજના કારણે જ માર્ગનું કામ પૂર્ણ થયું છે.આમ,તૈયાર થયેલા રોડના લોકાર્પણ સાથે જ રાજકીય શ્રેય લેવાની સ્પર્ધા શરૂ થઈ હતી.ત્યારે લોકોની સલામતી બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ નવનિર્મિત માર્ગ પર જરૂરી સાઈન બોર્ડ તેમજ શાળા નજીક સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાઓના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસે તંત્ર અને ધારાસભ્ય સમક્ષ માગ ઉઠાવી હતી કે માર્ગ પર જરૂરી સાઈન બોર્ડ અને શાળા નજીક સ્પીડ બ્રેકરની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે જો આવતીકાલ સુધીમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી રોડના લોકાર્પણનો શ્રેય કોને મળે તે મુદ્દે રાજકીય મતભેદ હોઈ શકે,પરંતુ માર્ગ પર મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે.લોકાર્પણની ઉજવણીની સાથે માર્ગ સલામતીની વ્યવસ્થાઓની પણ ખાતરી થાય તે જરૂરી છે.




