(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના ફૂલવાડી-ચોકડીથી કેવડી રોડ પર મોટા જાંબુડા ગામ નજીક ગત શનિવારે રાત્રે સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવમાં એક પ્રૌઢનું કરૂણ મોત નીપજ્યું છે. પૂરઝડપે આવતી ઈકો કારે બાઈકને અડફેટે લીધા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ મોટા જાંબુડા ગામના ૪૬ વર્ષીય રાજીવભાઈ ભારજીભાઈ વસાવા તા. ૧૦મીના રોજ રાત્રે આશરે ૮ વાગ્યાના સુમારે પોતાની મોટરસાયકલ લઈને ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોટા જાંબુડાથી આંબાખાડી વચ્ચેના રોડ પર ફૂલવાડી તરફથી કેવડી તરફ જઈ રહેલી એક ઈકો કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવી રાજીવભાઈની બાઈકને જમણી બાજુથી જોરદાર ટક્કર મારી હતી.
આ ગંભીર ટક્કરને કારણે રાજીવભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને માથાના ભાગે, નાક-કાનમાંથી અને જમણા પગના નળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી વહી રહ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ ઈકો ચાલક ઘટના સ્થળે રોકાયા વગર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. એક ગ્રામજને કારનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાત્રિનો સમય હોવાથી કાર નાસી છૂટવામાં સફળ રહી હતી.ઘટનાની જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજીવભાઈને ૧૦૮ મારફતે નેત્રંગ સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પુત્ર પિયુષ વસાવાની ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે અજાણ્યા ઈકો ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પૂરઝડપે દોડતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠવા પામી છે. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.




