– બાળકને પગે ગંભીર ફ્રેક્ચર થતા કારચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા નગરમાં આવેલા ગાયત્રી ફળિયા ખાતે સવારના સુમારે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી ઈકો કારના ચાલકે ફળિયામાં રમી રહેલા ૪ વર્ષના બાળકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ કારનું વ્હીલ બાળકના પગ પર ફરી વળતાં તેને ગંભીર ફ્રેક્ચર અને ઈજાઓ પહોંચી હતી.બનાવ સંદર્ભે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતેથી બાળકના પરિવારના સભ્યએ આપેલી ફરિયાદના આધારે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડિયાના ગાયત્રી ફળિયા ખાતે રહેતા સુમનબેન સતીષભાઈ વસાવા ગત તા.૧૮.૧૦.૨૬ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કામકાજ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો ૪ વર્ષનો દોહિત્ર વંશ જેઠાભાઈ વસાવા ઘર આંગણે ફળિયામાં રમી રહ્યો હતો.તે સમયે ફળિયામાં રહેતો સાવનભાઈ ખુમાનભાઈ વસાવા પોતાની સફેદ કલરની ઈકો કાર જેના આગળના ભાગે “જય વેરા” લખેલ છે તે લઈને ખૂબ જ ઝડપથી વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો.ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી વંશને ડ્રાઇવર સાઇડથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ કારનું પાછળનું ટાયર બાળકના ડાબા પગની જાંઘ પર ફરી વળતાં ગંભીર ફ્રેક્ચર થયું હતું તેમજ જમણા હાથે તથા ચહેરા પર છોલાવાથી લોહીલુહાણ ઈજાઓ થઈ હતી.અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત વંશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની જાંઘનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ બનાવ અંગે સુમનબેન વસાવાએ હોસ્પિટલ ખાતેથી કારચાલક સાવનભાઈ ખુમાનભાઈ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.




