– મંત્રી પ્રફુલ પાનશેરીયા અને મહાનુભાવો હાથમાં તિરંગો સાથે એકતા યાત્રામાં જોડાયા
– રાષ્ટ્ર ગૌરવનું પ્રતિક: સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની અખંડ વિચારધારાનો જીવંત સંદેશ : મંત્રી પ્રફુલ પાનશેરિયા
– એકતા નગરથી એકતા પરેડ અને માનનીય વડાપ્રધાનના સંબોધનનું કરાયું લાઈવ પ્રસારણ
ભરૂચ,
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં યોજાઈ રહેલ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં વિવિધ પ્રેરણાદાયી અને શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અન્વયે રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર ખાતે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે ભવ્ય એકતા યાત્રા યોજાઈ હતી. સાથે જ ગ્રામ પંચાયત, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ એકતા યાત્રાનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે રાજ્યના માર્ગદર્શક અને આરોગ્ય મંત્રીની ગરિમામય અધ્યક્ષતામાં એકતા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ એકતા રેલી શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈને આત્મીય હોલ, ભરૂચ ખાતે ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશને જનજન સુધી પહોંચાડવાના દેશભક્તિના ગીતો સાથે નગરના માર્ગો પરથી યોજાયેલ આ ભવ્ય ‘એકતા પરેડ’ને સ્થાનિકોએ વધાવી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા અને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના સંદેશને બુલંદ બનાવ્યો હતો.રેલીના સમાપન બાદ આત્મીય હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર મહાનુભાવોનું સ્થાનિક તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા એ લોખંડી પુરુષના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ, નિષ્કામ કર્મયોગ અને અખંડ ભારતના નિર્માણના અદભુત યોગદાનને ભાવપૂર્વક યાદ કરીને તેમને વંદન કર્યા હતા.દેશની આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓને એક તાંતણે બાંધીને, એક પણ લોહીનું ટીપું વહાવ્યા વિના અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર સાહેબનું યોગદાન અદ્વિતીય અને ઐતિહાસિક રહ્યું છે.ભારપૂર્વક જણાવ્યું કે, દેશની આઝાદીની ચળવળમાં દાંડી કૂચ હોય કે ‘ભારત છોડો’ આંદોલન, તેમજ બારડોલી સત્યાગ્રહ જેવી વિકટ પરિસ્થિતિઓમાં ખેડૂતો અને જનતાની પડખે ઊભા રહીને તેમને ન્યાય અપાવવામાં સરદાર સાહેબ હંમેશા અગ્રેસર રહ્યા હતા.ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા સૌપ્રથમ પોતાનું રજવાડું દેશને સમર્પિત કરવાના નિર્ણયથી શરૂ થયેલા આ મહાયજ્ઞમાં રાજાઓ અને જનતાએ આપેલું યોગદાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નિર્માણનો પાયો બન્યું છે.
તેમણે વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યુ કે, કેવડિયા ખાતે નિર્મિત ૧૮૨ મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માત્ર એક શિલ્પ નથી, પરંતુ તે સરદાર સાહેબની મહાન વિચારધારા અને રાષ્ટ્રવાદનો સંદેશો સમગ્ર વિશ્વને આપી રહી છે.અંતે કહ્યું કે, આ પાવન અવસરે જ્ઞાતિ, જાતિ, ભાષા અને પ્રાંતના ભેદભાવો તેમજ પરસ્પર દ્વેષની ભાવના છોડીને, ભારતીય સંસ્કૃતિના “વસુધૈવ કુટુમ્બકમ્” અને “બહુજન હિતાય, બહુજન સુખાય”ના મંત્રને અપનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો.
આ ઉજવણીના વિશેષ ભાગરૂપે એકતા નગર (કેવડિયા) ખાતેથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની “એકતા પરેડ” તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું સભાખંડમાં લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે દેશના માનનીય વડાપ્રધાનશ્રીનું રાષ્ટ્રજોગ સંબોધન (લાઈવ પ્રસારણ) ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ નિહાળ્યું હતું.
આ એકતા યાત્રા અને અન્ય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગયતા, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



