ઝઘડિયા જીઆઈડીસીના જેટકો સબ-સ્ટેશનમાં ભીષણ આગ લાગતા છ ફાયર ટેન્ડરોએ અઢી કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

SHARE:

– ૬૬ કેવી રાંદેરી સબ-સ્ટેશનમાં આગ ભભૂકી ઊઠતાં ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો ખોરવાયો : ફાયર વિભાગની સમયસૂચકતાથી આગ અન્ય વીજ ઉપકરણો સુધી ફેલાતાં અટકી જાનહાનિ ટળી

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વસાહત સ્થિત જેટકો ૬૬ કેવી રંદેરી સબ-સ્ટેશનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મહત્વપૂર્ણ વીજ માળખામાં લાગેલી આ વિકરાળ આગને પગલે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.જોકે ફાયર વિભાગના કાફલાએ સતત અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા ૬૬ કેવી રંદેરી સબ-સ્ટેશનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફરજ પર હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની ગંભીરતાને પગલે તાત્કાલિક ઝઘડિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.આગ સબ-સ્ટેશનના અન્ય મહત્વપૂર્ણ વીજ ઉપકરણોને લપેટમાં ન લે તે માટે વધારાના ફાયર ટેન્ડરોની મદદ બોલાવવામાં આવી હતી.

ઝઘડિયાના ફાયર અધિકારી કમલેશભાઈ વસાવાના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે કુલ ૬ ફાયર બ્રિગેડની મદદથી સતત અઢી કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી.આગની આ ઘટનાને પગલે સબ-સ્ટેશન સાથે જોડાયેલા ઔદ્યોગિક એકમો અને આસપાસના વિસ્તારોમાં વીજ કાપ સર્જાતાં ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી હોવાના સામે આવ્યા હતા.હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને સબ-સ્ટેશનમાં થયેલા આર્થિક નુકસાનનો આંકડો સામે આવ્યો નથી.વીજ તંત્ર દ્વારા સબ-સ્ટેશનનું નિરીક્ષણ અને જરૂરી સમારકામ હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત્ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ઔદ્યોગિક વસાહતના મહત્વના વીજ મથકમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર વીજ માળખાની સુરક્ષા અને ફાયર સેફ્ટી અંગે સવાલો ઊભા કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!