– તેજસ્વી વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનું સન્માન કરાયું
ભરૂચ,
આમોદ તાલુકાના દાંડા ગામે એકડા લેઉઆ પાટીદાર સમાજની ૩૦ મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં સમાજના સર્વાંગી વિકાસ, સંગઠનની મજબૂતી તેમજ સામાજિક અને આર્થિક પ્રગતિને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સમાજના આગેવાનો દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.એકડા લેઉઆ પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવી લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સમાજના આગેવાનોનું પણ સન્માન કરી તેમની લોકસેવાની જવાબદારીને બિરદાવવામાં આવી હતી.
સભામાં સમાજમાં પ્રવર્તતી દેખાદેખીની પ્રથાઓ અને બિનજરૂરી ખર્ચાળ વ્યવહારો અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. લગ્નપ્રસંગો સહિત વિવિધ સામાજિક પ્રસંગોમાં આર્થિક ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવાની વૃત્તિ પર નિયંત્રણ લાવવા અને સાદગીપૂર્ણ પ્રસંગો યોજવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આવા બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરીને બચતનો ઉપયોગ બાળકોના ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે તો સમાજની નવી પેઢી વધુ પ્રગતિ કરી શકે તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.ખેતીવાડી ક્ષેત્રે પણ બદલાતા સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સહિયારી ખેતીનો અભિગમ અપનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેતીની જમીનમાં પરસ્પર સહકાર અને સંકલનથી ખેતી કરવાથી ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમજ ઉપલબ્ધ સાધનો અને સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરી શકાય તેવા મુદ્દાઓ રજૂ થયા હતા.એકડા લેઉઆ પાટીદાર સમાજની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા પરમ વંદનીય કથાકાર ત્રિલોચનાબેનના આશીર્વચન સાથે સમાપન કરવામાં આવી હતી.આ પ્રસંગે એકડા લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ અને આમોદ તાલુકા ભાજપ મહામંત્રી હિતેશભાઈ પટેલ,ભરૂચ જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ , દિલીપભાઈ દાજી, દર્શનભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



