– ગામમાં સમરસતા જોઈએ કે રાજકીય વિવાદ? યુવાનોના સવાલોથી માહોલ ગરમાયો!
ભરૂચ,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામે ગતરોજ યોજાયેલા ચૂંટણી ગામની અને જવાબદારી ખુરશીની! પુસ્તકના વિમોચન કાર્યક્રમને લઈને આજે ગામમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો.ગામના કેટલાક યુવાનોએ ગાંધી આશ્રમ ખાતે એકત્ર થઈ કાર્યક્રમ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં આયોજકોની ભૂમિકા, કાર્યક્રમના હેતુ અને તેના સમયને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ વિરોધને પગલે સમની ગામનું સ્થાનિક રાજકીય અને સામાજિક વાતાવરણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તા. 15 નવેમ્બર, 2026ના રોજ સમની ગામે રામજી મંદિર પાસે રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા ચૂંટણી ગામની અને જવાબદારી ખુરશીની! પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતની ચૂંટણી, લોકશાહી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારીઓ અને ગ્રામ્ય વિકાસ જેવા મુદ્દાઓ પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, આ કાર્યક્રમના બીજા જ દિવસે ગામના કેટલાક યુવાનોએ વિરોધ નોંધાવી સમગ્ર આયોજન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. યુવાનોનો આક્ષેપ છે કે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ સંપૂર્ણપણે વ્યક્તિગત હતો. અને તે જ દિવસે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સમની ગામે સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી કાર્યક્રમની અસરકારકતા ઓછી થાય અને તેનું મહત્વ ઘટે તેવા હેતુથી જ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, આ આક્ષેપ અંગે આયોજકોનો પક્ષ અને સ્પષ્ટતા સામે આવવી જરૂરી છે.
વિરોધ કરી રહેલા યુવાનોએ જણાવ્યું હતું કે, ગામના લોકો સમનીમાં સમરસતા, એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેવું ઇચ્છે છે. ગામમાં પરસ્પર મતભેદો ઊભા થાય તેના બદલે સૌ સાથે મળીને વિકાસના માર્ગે આગળ વધે તે જરૂરી છે.પરંતુ તેમના મતે રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા લખાયેલા પુસ્તકના શીર્ષક અને તેની રજૂઆતથી ગામમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓને વેગ મળવાની શક્યતા સેવી છે. યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, સમરસતાની ભાવનાને મજબૂત કરવાને બદલે ચૂંટણી અને રાજકીય સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે. જોકે, પુસ્તકના લેખન પાછળનો હેતુ શું હતો તે લેખકની સ્પષ્ટતા બાદ જ વધુ સારી રીતે જાણી શકાશે. યુવાનોએ પુસ્તક વિમોચન કાર્યક્રમ માટે જરૂરી સરકારી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલ ઉઠાવી સંબંધિત તંત્ર સમક્ષ તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, કાર્યક્રમ માટે મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેથી આ મુદ્દો તપાસનો વિષય છે. અને સંબંધિત તંત્ર દ્વારા હકીકત સ્પષ્ટ કરવામાં આવે તે જરૂરી છે.
વિરોધ કરી રહેલા યુવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના નેતાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. યુવાનોના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજની લાગણીઓ અને સમરસતાના મુદ્દે વિવાદાસ્પદ માનસિકતા ધરાવતા હોવાનું તેઓ જેને માને છે, તેવી વ્યક્તિના સમર્થનમાં રાજકીય અગ્રણીઓની હાજરીથી કોંગ્રેસને પણ રાજકીય નુકસાન થઈ શકે છે. યુવાનોએ કોંગ્રેસના નેતાઓએ આવા કાર્યક્રમોમાં હાજરી આપતાં પહેલાં સ્થાનિક પરિસ્થિતિ અને સામાજિક સંવેદનશીલતાનો વિચાર કરવો જોઈએ તેવી પણ ટકોર કરી હતી.સમની ગામમાં પુસ્તક વિમોચન બાદ ઊભો થયેલો વિરોધ અને નારાજગી માત્ર એક કાર્યક્રમ પૂરતો સીમિત રહે તેમ જણાતો નથી. એક તરફ પુસ્તકના આયોજકો દ્વારા તેને ગ્રામ પંચાયતની ચૂંટણી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી અંગે જાગૃતિ લાવતો કાર્યક્રમ ગણાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ ગામના કેટલાક યુવાનો તેને સ્થાનિક સમરસતા અને સરકારી કાર્યક્રમના સંદર્ભમાં પ્રશ્નાર્થરૂપ ગણાવી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ખરેખર માત્ર સાહિત્યિક અને લોકશાહી જાગૃતિના હેતુથી યોજાયો હતો કે તેની પાછળ કોઈ સ્થાનિક રાજકીય ગણતરી હતી? સરકારી કાર્યક્રમ અને પુસ્તક વિમોચન એક જ દિવસે યોજાવા પાછળ કોઈ સંયોગ હતો કે પૂર્વઆયોજન? મંજૂરી અંગેના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે? આ તમામ સવાલોના જવાબ સંબંધિત પક્ષોની સ્પષ્ટતા અને તંત્રની તપાસ બાદ જ સામે આવશે. અત્રે નોંધનીય છે કે, સમની ગામના હિતમાં બંને પક્ષોએ પોતપોતાની વાત તથ્યો સાથે રજૂ કરવી જરૂરી છે. કારણ કે ગામની સમરસતા કોઈ એક વ્યક્તિ, પક્ષ કે સંગઠનની માલિકીની નથી, તે સમગ્ર ગામની સામૂહિક જવાબદારી છે.
વિરોધ કરી રહેલા યુવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો ગામે ગામ સામાજિક એકતા અને ભાઈચારાને બદલે ભાગલા પાડવાની માનસિકતા સાથે કામ કરી રહ્યા છે, જેના કારણે ગામડાંઓમાં સમરસતાનું વાતાવરણ ડહોળાવાની ભીતિ ઊભી થઈ રહી છે. આવા લોકોને પ્રોત્સાહન આપવાને બદલે સમાજમાં એકતા અને સંવાદિતા જળવાઈ રહે તેવા પ્રયાસો થવા જોઈએ. યુવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ આવા વિચારો અને માનસિકતા ધરાવતા લોકોને સમર્થન આપી પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય પક્ષોએ સમાજને જોડવાનું કામ કરવું જોઈએ, નહીં કે ગામે ગામ વિભાજનના આક્ષેપો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાય, તેવી લાગણી પણ યુવાનોએ વ્યક્ત કરી હતી.



