જંબુસર-આમોદ વિભાગ ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળનો દ્વિતીય સ્નેહમિલન સમારોહ યોજાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિર ખાતે સંતોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં શિક્ષણ, એકતા અને સંસ્કારનું મહત્વ સમજાવાયું હતું.

જંબુસર-આમોદ વિભાગ ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ, જંબુસર દ્વારા નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે દ્વિતીય સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન જંબુસર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીએપીએસના પૂજ્ય અપૂર્વમૂર્તિ સ્વામી તથા પૂજ્ય યશોનિધિ સ્વામીની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિકતા અને પ્રેરણાથી સભર બનાવ્યો હતો.

કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત સંતો તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને સન્માન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં સમાજના પ્રમુખ, કારોબારી સભ્યો, સમાજના અગ્રણીઓ નગીનભાઈ તલાટી, જયરામભાઈ,ડાહ્યાભાઈ સહિતના આગેવાનો અને સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજના તેજસ્વી અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધે અને ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજ તથા દેશનું નામ રોશન કરે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમાજના અગ્રણીઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આવા સ્નેહમિલન કાર્યક્રમો સમાજના સભ્યોને એક મંચ પર લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જેના થકી સમાજમાં પરસ્પર એકતા,ભાઈચારો, પ્રેમ અને સહકારની ભાવના વધુ મજબૂત બને છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને દુષણોને દૂર કરી નવી પેઢીને સારા સંસ્કાર આપવા સમયની માંગ છે.ખાસ કરીને આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે, ત્યારે દરેક વાલીએ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ રાખવી જોઈએ.

આ ઉપરાંત બાળકોમાં મોબાઈલના વધતા ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપતાં મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળીને તેનો જ્ઞાનવર્ધક અને શૈક્ષણિક હેતુ માટે સદુપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત બીએપીએસના પૂજ્ય સંતોએ આશીર્વચન આપતાં માનવજીવનમાં સંતો અને સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું.સંતોના માર્ગદર્શનથી વ્યક્તિના જીવનમાં સદવિચાર, સદાચાર, નૈતિકતા અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે તેમ જણાવી જીવનમાં સારા સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ બીએપીએસ સંસ્થાની વિવિધ સેવાકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને બીએપીએસના સંતો દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યો વિશે પણ ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

નૂતન વર્ષના પ્રારંભે યોજાયેલા આ દ્વિતીય સ્નેહમિલન સમારોહમાં સમાજના ભાઈઓ-બહેનો,અગ્રણીઓ, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમથી સમાજમાં નવી ઉર્જા, સંગઠનભાવના અને શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો હતો.અંતે સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી સમાજની પ્રગતિ અને ઉત્કર્ષ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!