નેત્રંગ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

SHARE:

– ભરૂચ જિલ્લાના ઝઘડિયા-વાલિયા રોડને ‘ભગવાન બિરસા મુંડા પથ’ અને વાલિયા જંક્શનને ‘ભગવાન બિરસા મુંડા સર્કલ’ તરીકે નામકરણ કરવાની જાહેરાત કરતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા

ભરૂચ,

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા ધારાસભ્ય રીતેશ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની પ્રતિકૃતિ સમાન ભેટો આપીને મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.જ્યાં વરલી પેઇન્ટિંગ અને કોટિ દ્વારા કલા અને લોકસંસ્કૃતિનું સન્માન અને આદિવાસી સાંસ્કૃતિક પ્રતીક સમાન ગમછો પહેરાવીને ઉષ્માભેર આવકાર આપ્યો. જ્યારે આદિવાસી વિરાસત અને શૌર્યના પ્રતીક સમાન તીર-કમાન તથા જનજાતિય ગૌરવના પ્રતિકસમા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ ભેટ આપીને વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું.કાર્યક્રમના મંગલારંભે પ્રાયોજના વહીવટદાર દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જનમેદનીનું હાર્દિક સ્વાગત કરાયુ હતું.

‘જનજાતિય ગૌરવ દિન’ કાર્યક્રમ સાથે જ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના રૂ.૩૭.૮૦ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર ‘એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’નું ઈ – ખાતમુહૂર્ત કર્યું અને ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાં રૂ.૫૬.૬૪ લાખના ખર્ચે થનાર વિકાસના ૭૩ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ.૧૪૬.૬ લાખના ખર્ચે પૂર્ણ થયેલા કુલ ૪૬ વિકાસ કામોનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર શ્રેષ્ઠીઓ, રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ,લાભાર્થીઓને વ્યક્તિગત યોજનાકીય લાભો, પશુપાલન સહાય તેમજ વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકાર પત્રોનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

“જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર દેશ માટે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ છે. ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિના આ પાવન અવસરે ભારત સરકાર દ્વારા આ દિવસને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો જે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, તે સમગ્ર આદિવાસી સમાજના બલિદાન, શૌર્ય અને સંસ્કૃતિને સાચી શ્રદ્ધાંજલી છે.ક્રાંતિકારી અને સમાજ સુધારક ભગવાન બિરસા મુન્ડાનું સ્મરણ કરીને ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુન્ડાના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમણે અંગ્રેજ શાસનના જુલમ સામે ‘ઉલગુલાન’ (મહાન ક્રાંતિ)નું બ્યુગલ ફૂંકી ‘અબુઆ દિશોમ, અબુઆ રાજ’ (આપણો દેશ, આપણું રાજ)ની ઘોષણા કરી હતી.તેઓ માત્ર ક્રાંતિકારી જ નહીં, પરંતુ એક મહાન સમાજ સુધારક પણ હતા.જેમણે સમાજ માંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરી સ્વચ્છતા, એકતા અને સ્વાભિમાનનો સંદેશ આપ્યો હતો. માત્ર ૨૫ વર્ષની ટૂંકી વયે ૯ જૂન ૧૯૦૦ના રોજ રાંચી જેલમાં શહીદ થનાર ભગવાન બિરસા મુન્ડાનું બલિદાન આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે.

 

 તેમણે ભારપૂર્વક કહ્યું, ભારત સરકાર દ્વારા ૧૫ નવેમ્બરને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરવાની સાથે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પ્રથમ જનજાતિ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને બિરાજમાન કરીને સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ વિશે જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે ‘બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે કેવડિયા ખાતે રૂ.૨૫૭ કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું ‘આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ’ નિર્માણાધીન છે.આ ઉપરાંત, તેમણે વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સહભાગી થવા માટે યુવાનોને પ્રમુખ ફરજો જીવનમાં ઉતારવા આહ્વાન કરવામાં આવ્યું હતું. અને ૨૦૪૭ સુધીમાં સિકલસેલ એનિમિયાને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય અભિયાન વેગવંતુ બનાવાયું છે.આ પ્રસંગે સૌએ દરેક બાળકને શિક્ષિત, યુવાનોને કૌશલ્યવાન તથા વ્યસનમુક્ત અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આદિવાસી અસ્મિતા અને ગૌરવને ચિરંજીવી બનાવવા માટે આજે રાજ્ય સરકારની મંજૂરીથી સ્ટેટ હાઈવે કક્ષાના ઝઘડિયા-વાલિયા રોડને ‘ભગવાન બિરસા મુંડા પથ’ અને વાલિયા જંક્શનને ‘ભગવાન બિરસા મુંડા સર્કલ’ તરીકે નવી ઓળખ આપવામાં આવી છે. આ નામકરણ આવનારી પેઢીઓને ભગવાન બિરસા મુંડાના બલિદાન અને શૌર્યની સતત પ્રેરણા આપતું રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ,નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવા, ગામના પ્રથમ નાગરિક, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!