– એકતાનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ
– બેઠકમાં ગુજરાત સહિત છ રાજ્યોના જળશક્તિ મંત્રીઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા.
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતાનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં ગુજરાત સહિત છ રાજ્યોના જળશક્તિ મંત્રીઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં.ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
સરદાર સરોવર અને કેવડિયાના મહત્વને ધ્યાનમાં રાખીને એકતાનગર ખાતે બેઠક યોજાઈ હતી.ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.આ બેઠકમાં ડેમ સેફ્ટી એક્ટ અને ડેમની સુરક્ષા વધારવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈહતી. એ ઉપરાંત દેશની નદીઓની સફાઈ અને જળશક્તિ મંત્રાલયના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી.
સાંસદોએ વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતાં અને અધિકારીઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા.ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચેનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવાદનો ઉકેલ આવ્યો હતો.
ચારેય રાજ્યોના ખર્ચ અને લેણાંનો 6 ટકા વ્યાજ સાથે હિસાબ કરવામાં આવ્યો હતો.ચારેય રાજ્યોએ નાણાકીય હિસાબ અને સમાધાનના નિર્ણય પર સંમતિ દર્શાવી હતી.
એ ઉપરાંત ગુજરાતમાં પાણીની અછત ન સર્જાય તે માટે ચારેય રાજ્યો વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો હતો.ઓછા વરસાદ અને અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે પાણીની વ્યવસ્થા કરાઈહોવાનું પણ જણાવ્યું હતું.જરૂરિયાતના સમયે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજ ઉત્પાદન કર્યા વિના પાણી ગુજરાતને આપશેએમ પણ જણાવાયું હતું.પાણીના બદલામાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળવાપાત્ર વીજળી ખરીદીને અપાશે અથવા નાણાકીય વળતર ચૂકવાશે. એ ઉપરાંત પાણીના બદલામાં વીજળી કે વળતર આપવાની ચોક્કસ ફોર્મ્યુલા ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો તૈયાર કરશે.આ વ્યવસ્થાથી ચાલુ વર્ષે ગુજરાતમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.
મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલી મેન્ટેનન્સ અને ખર્ચની રકમ ચૂકવી દીધી.છે હવે દર વર્ષે ગુજરાતને મેન્ટેનન્સની રકમ સમયસર ચૂકવવાની વ્યવસ્થા કરાશે.ચારેય રાજ્યો વચ્ચે પાણી અને વીજળીના મુદ્દે ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવ્યાનો દાવો કરાયો હતો.એકતાનગર ખાતે યોજાયેલી બેઠકમાં આંતરરાજ્ય જળવ્યવસ્થાપન અને પાણીના સુચારુ આયોજન અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.



