ગરૂડેશ્વરના ભાદરવા ગામે ભાદરવા દેવનો કાર્તિકી પૂનમનો આદિવાસીઓનો સૌથી મોટો મેળો ભરાયો

SHARE:

– લાખો શ્રદ્ધાળુઓનું નર્મદામાં શ્રદ્ધા સ્નાન : કાગળના ઘોડા સાથે નાચગાન કરતા શ્રદ્ધાળુઓના ધાડા ઉમટ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના રમણીય ભાદરવા ગામ ખાતે મા નર્મદાના પાવન તટ પર ઊંચી ટેકરી પર બિરાજમાન ‘ભાદરવા દેવ’ વીર ભાથીજી મહારાજનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.કારતક પૂનમના પાવન અવસરે કાર્તિકી પૂનમનો આદિવાસીઓનો સૌથી મોટો મેળો ભરાયો હતો.આદિવાસી સમાજના સૌથી મોટા ગણાતા આ ભાતીગળ મેળામાં ભક્તિ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.આ મેળામાંરાજપીપળા, ડેડીયાપાડા અને સાગબારા સહિતના વિસ્તારોમાંથી પણ ભક્તો માનતા પૂર્ણ કરવા પગપાળા સંઘ સાથે ભાદરવા ધામ પહોંચ્યા હતા.

 

જેમાં શ્રદ્ધાળુઓ ભાદરવા દેવના પ્રતીક રૂપે શણગારેલા સફેદ ઘોડાની પ્રતિકૃતિ અને ધજાઓ સાથે વરઘોડામાં જોડાયા હતાં . પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી મહિલાઓ અને પુરુષો ઢોલ-નગારાંના તાલે લોકગીતો અને નૃત્યની રમઝટ બોલાવી હતી.પદયાત્રીઓની સુવિધા માટે માર્ગમાં ચિમીપાણી, યાલ, ખૂટાઆંબા અને મોટા લીમટવાડા જેવા સ્થળોએ ગ્રામજનો દ્વારા ભોજન, પાણી અને આરામ માટે ભંડારા શરૂ કરવામાં આવ્યા હતાં.વરઘોડામાં પરંપરાગત સ્ત્રી પરિધાનમાં સજ્જ થઈને નૃત્ય અને ગાન કરતી મહિલાઓ ઉપસ્થિત જનમેદની માટે સૌથી મોટું આકર્ષણ બન્યુ હતું.

 

કાર્તિકી પૂનમે નર્મદા નદીના ઘાટ પર પવિત્ર સ્નાન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!