ભરૂચ,
ભરૂચ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત પાનોલી પોલીસે અંકલેશ્વરના સંજાલી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપીના રહેણાંક મકાન માંથી 2 કિલો 50 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત 1,02,500 આંકવામાં આવી છે.
અંકલેશ્વરની પાનોલી પોલીસને બાતમી મળી હતી કેસંજાલી ગામે સકાટા ચોકડી નજીક આવેલી રઘુવીર રેસિડેન્સીના મકાન નંબર જી-5માં રહેતો બિહારીલાલ અયોધ્યાપ્રસાદ પટેલ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો વેચાણના હેતુથી રાખે છે અને અલગ-અલગ લોકોને છૂટકમાં વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યોહતો.દરમ્યાન બિહારીલાલ પટેલ હાજર મળી આવતા તેના રહેણાંક મકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એક થેલામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 2.050 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન સહિત કુલ 1,12,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે આરોપી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ગુનામાં મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લાના ભૌતી મંદિર પાસે રહેતા ‘પાંડે’ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પાનોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.



