– ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પધાર્યા
આમોદ,
આમોદ તાલુકાના નાહીયેર ગામે આવેલા હઠીલા હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભાતીગળ મેળો ભરાયો હતો.સવારથી જ હઠીલા હનુમાન દાદાના દર્શન માટે ભક્તિની લાઈનો લાગી હતી.વર્ષોની પરંપરા મુજબ નાહીયેર ગામે ભાતીગળ મેળો ભરાઈ રહ્યો છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામા આવ્યું હતું.મેળામાં ખાણીપીણીની લારીઓ અને દુકાનો ઉપર લોકોએ ગરમા ગરમ નાસ્તાની લિજ્જત માણી હતી.મેળામાં વાંસળીના સુમધુર સૂરોથી તેમજ પીપુડાના કર્કશ અવાજથી મેળાની રંગત જામી હતી.મેળામાં યુવાન યુવતીઓએ પોતાના હાથ ઉપર ટેટૂ ચીતરવાનો ક્રેઝ પણ જોવા મળ્યો હતો.નાના બાળકોએ ચકડોળમાં બેસી આનંદ માણ્યો હતો.હઠીલા હનુમાન મંદિરે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.




