આમોદ,
આમોદ નગરની મધ્યમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી ગણેશ ચતુર્થીના દિવસે આમોદના દરેક શ્રીજી ભક્તોના ઘરે ઘરે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ આપવામાં આવશે.જે અંગે ગણપતિ મંદિર તરફથી આયોજન કરી દેવામાં આવ્યું છે.આમોદના સ્વામિનારાયણ મંદિર ખાતે બહેનો દ્વારા લાડુ વાળવાની પ્રક્રીયા ચાલુ કરી દેવામાં આવી છે.જે લાડુ ગણેશ ચતુર્થીના દિવસે વહેચવામાં આવશે. તેમજ ગણેશ ચોથના દિવસે પણ શ્રીજી ભક્તોને પ્રસાદ આપવામાં આવશે.
આમોદમાં ૩૦૦ વર્ષથી થી વધુ પુરાણું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.જે ગણપતિ દાદાની મૂર્તિનો અલૌકિક અને ચમત્કારિક પ્રભાવ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી નામના પુસ્તકમાં આમોદના દીનાનાથ ભટ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.દીનાનાથ ભટ્ટને સ્વપ્ન આવેલું કે આમોદ નગરની મધ્યમાં આવેલા મકાનમાં ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા હોવાનો સંકેત અપાયો હતો.જ્યાં નિર્દેશ કરેલા મકાનમાં ખોદકામ કરતાં દૈદીપ્યમાન,જમણી સૂંઢવાળા,ત્રિનેત્ર,રિદ્ધિ સિદ્ધિ સહિતના ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી.આ ગણપતિ દાદાની દૈદિપ્યમાન મૂર્તિ જોઈ ૧૮૮૧ સાલમાં માગશર સુદ પાંચમના દિવસે આમોદ પધારેલા સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ ગણપતિ દાદાની આરતી ઉતારી હતી.જે અંગે શ્રી હરિલીલામૃત ભાગ -૪ કળશ-૮ વિશ્રામ-૩૫ પાન નંબર-૨૨૨ માં ઉલ્લેખ થયો છે.




