જંબુસરના ભાણખેતર ગામમાં મરાઠા-પેશ્વાકાળના ગણેશજીના મંદિરમાં શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

વડોદરા-ભરૂચ હાઈવે પર જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનન ગણેશજીના મંદિરે અનોખી પ્રતિમાને કારણે ભક્તોમાં વિશેષ આકર્ષણ છે.આ મંદિર મરાઠા – પેશ્વાકાળનું છે અને લગભગ ૪૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે.

આ મંદિરમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા અનેક રીતે અનોખી છે.આ પ્રતિમા શંખ, છીપલાં અને રાખોડી રંગની માટીમાંથી બનાવવામાં આવી છે.જેની ઊંચાઈ ૯ ફૂટ અને પહોળાઈ ૭ ફૂટ છે.આ પ્રતિમાનું સૌથી મોટું આકર્ષણ તેની જમણી સૂંઢ,ત્રિલોચનધારી (ત્રણ આંખોવાળી) અને મસ્તક પર શેષનાગ સાથેનું શંકર સ્વરૂપ છે.ગામનો પ્રાચીન ઈતિહાસ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાય છે.જ્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સદીઓ સુધી સૂર્યનારાયણની ઉપાસના કરી હતી.લોકવાયકા મુજબ, સાધુ-સંતોએ જમીનની અંદરથી મળી આવેલી સામગ્રીનો ઉપયોગ કરીને આ વિરાટ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું.આ મંદિર સાથે સ્વયંભૂ શંખનાદ સંભળાતો હોવાનો પણ લોકવિશ્વાસ છે.

મંદિરની નજીકમાં વૈષ્ણવ સંપ્રદાયની હરિરાય મહાપ્રભુજી અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકો પણ આવેલી છે, જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે. એક સમયે મંદિર નીચે એક ભૂગર્ભ માર્ગ પણ હતો.જે જંબુસરના જોગનાથ મહાદેવ મંદિરને જોડતો હતો.પરંતુ હાલમાં તે બંધ થઈ ગયો છે.દર મંગળવારે અને ખાસ કરીને ગણેશ ચોથના દિવસે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભજન-કિર્તનના આયોજન થાય છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.આ અનોખી પ્રતિમા અને મંદિરનો પ્રાચીન ઈતિહાસ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!