ઝઘડિયા તાલુકામાં આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) ૧૮ મીને ગુરૂવારે વધાવવામાં આવશે

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડિયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૧૮ મી સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ બપોરના ત્રણ વાગ્યે વધાવવામાં આવશે.આ અંગે વધુમાં જણાવાયા મુજબ હઝરત કમાલુદ્દિન બાવા (વડોદરા)અને બાવાગોર દરગાહ સ્થળના હાલના ગાદીનશીન હઝરત જાનુબાપુના હસ્તે તા.૧૮ મીના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન પરંપરાગત ફુલ ધાણી અને નાળિયેરથી ચસ્મો વધાવવામાં આવશે.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર અંદાજે ૮૦૦ વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે.આ પહાડ પર હઝરતના સમયથી એક પાણીનો કુંડ જે ચસ્માના નામે પ્રચલિત છે,આવેલો છે અને દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે પરંપરાગત ચસ્મો વધાવવાની રસમ અદા કરવામાં આવે છે. ચસ્મો વધાવવાના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે.જેમાં રાજ્ય સહિત રાજ્ય બહારના વિસ્તારો માંથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે,અને ચસ્મો વધાવવાની વિધિમાં જોડાઇને ધન્ય બને છે.હઝરત બાવાગોરની દરગાહે આવવા માટે ઝઘડિયા અને રાજપારડીથી વાહનોની સગવડ મળે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!