ભરૂચ,
ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભાજપના વિચારદર્શના શિલ્પી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જીલ્લામાં વિવિધ ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભોલાવ પંચાયત વિસ્તારમાં આવેલ જ્યોતિનગર પાસે આવેલ જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતેન હોલમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત પંડિત દિનદયાળ ઉપાધ્યાયના ચિત્રે પુષ્પાંજલી અર્પણથી કરવામાં આવી હતી.ત્યાર બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવનવૃત્ત, રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાયે “અંતિમ માણસ” સુધી વિકાસ પહોંચે તે માટે જે એકાત્મ માનવવાદની વિચારધારા રજૂ કરી, તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,પૂર્વ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,મહામંત્રી નિરલ પટેલ,યુવા મોરચાના યુવા પ્રમુખ ઋષભ પટેલ,ભોલાવ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
તો બીજી તરફ ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય ખાતે પણ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો દિવ્યેશ પટેલ,શહેર પ્રમુખ જતીન શાહ સહિત આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય માત્ર રાજકીય નેતા જ નહીં,પરંતુ એક ઊંડા ચિંતક, વિચારક અને સંગઠનકાર પણ હતા. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને સમાજઉદ્ધાર માટે સમર્પિત રહ્યું હતું.આજના સમયમાં તેમની વિચારધારા રાજકારણને દિશા આપનારી બની રહી છે.
આ કાર્યક્રમ દરમ્યાન કાર્યકરો દ્વારા પંડિત ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા-સંઘર્ષના માર્ગ પર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.







