– ભરૂચ પાલિકાના વોર્ડ નં.પ માં ચીફ ઓફીસરની તપાસમાં ગંદકીનુ સામ્રાજય સામે આવતા સેનેટરી ઈન્સ્પેકટરને કારણદર્શક નોટીસ આપી કાર્યવાહી કરાઈ
– વોર્ડ નં.પમાં ગંદકીના સામ્રાજય અને સફાઈ કર્મચારીઓ ન આવતા હોવાની બુમો વચ્ચે ચીફ ઓફીસર પોતાની ટીમ સાથે વહેલી સવારે સ્થળનું નીરીક્ષણ કરતા સેનેટરી ઈન્સ્પેકટરની ગંભીર બેદરકારી સામે આવી
– ભરૂચ નગર પાલિકાના ૧ થી ૧૧ વોર્ડમાં ચીફ ઓફીસર પોતાની ટીમ સાથે વોર્ડમાં તપાસ કરી એસ.આઈની ફરજમાં બેદરકારી આવશે તો કાર્યવાહી કરાશે
ભરૂચ,
ભરૂચમાં સ્વચ્છતાને લઈને નગર પાલિકાના ચીફ ઓફીસર સતર્ક છે.ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં.પમાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના વિસ્તારમાં જ સફાઈમાં ગોબાચારી વચ્ચે નગર પાલિકાના ચીફ ઓફીસર તથા તેમની સાથે એસ.આઈ અને સી.એસ.આઈ ની ટીમ વહેલી સવારે તપાસમાં નીકળતા વોર્ડનાં સેનેટરી ઈન્સ્પેકટરની ફરજમાં ગંભીર બેદરકારી સામે આવતા તેમને કારણદર્શક નોટીસ આપી ઘટના સ્થળ ઉપરથી ખસેડી મુકવામાં આવ્યા છે.
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં.પ જે કસકથી રચના નગર સુધીનો વિસ્તાર આવેલો છે.આ વિસ્તારમાં સફાઈકર્મીઓ આવતા જ ન હોય અને સફાઈ ન થતી હોવાની બુમો ઉભી થતાં ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ નગર પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર તથા ચીફ સેનેટરી ઈન્સ્પેકટરની ટીમ વહેલી સવારે ૭ વાગ્યાના અરસામાં તપાસ અર્થે નીકળતા વોર્ડ નં.પ માં ગંદકીના સામ્રાજય અને સફાઈ કર્મીઓ પણ ન હોય તેમજ ખુદ વોર્ડનાં સેનેટરી ઈન્સ્પેકટર પણ ગુમ હોય તેવું તપાસમાં સામે આવતાં નગર પાલિકાના ચીફ ઓફીસરે વોર્ડમાં જ તાત્કાલીક વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર રાજ ચાવડાને કારણ દર્શક નોટીસ આપી પોતાના વોર્ડમાં કામ ન કરાવી શકતા હોય અને ગંદકીના સામ્રાજય હોય જેથી ફરજમાં બેદરકારી હોય તે બાબતે નોટીસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી અને નગર પાલિકાના ચીફ ઓફીસરે પણ કહયું હતું કે નગર પાલિકાના તમામ વોર્ડમાં સ્વચ્છતાને લઈ સ્થળ નિરીક્ષણ કરી વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરોની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ કહી સ્વચ્છતા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
ભરૂચ નગર પાલિકાના વિપક્ષ તરીકે હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કહયું હતું કે વોર્ડમાં સફાઈ કર્મચારીઓની લાલીયાવાળી ચાલે છે સેનેટરી ઈન્સ્પેકટરો સફાઈ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકતા નથી જેના પરિણામે સ્વચ્છતાનું સુરસુરીયુ થાય છે નગર પાલિકાના ચીફ ઓફીસરે જે ટીમ બનાવી કામ ચાલુ કર્યુ છે તે આવકાર દાયક છે અને જે પણ સેનેટરી ઈન્સ્પેકટરોની ફરજમાં બેદરકારી સામે આવતી હોય તેમને બદલી નહી કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે સફાઈ કર્મીઓ પણ સફાઈ કરવામાં વેઠ ઉતારતા હોવાની પણ બુમો ઉઠી રહી છે.જો કે સફાઈ કર્મીઓની હાજરી પણ પુરવામાં ગોબાચારી થતી હોવાની બુમો ઉઠી છે આ દિશામાં પણ ચીફ ઓફીસરે તપાસ કરવી જરૂરી બની ગઈ છે અને બોગસ હાજરી કૌભાંડ ચાલતું હોય તો તે બાબતે પણ ફોજદારી રાહે ગુનો બની શકે છે.આ દિશામાં પણ પાલિકાના ચીફ ઓફીસરની ટીમે કામ કરવું જોઈએ.







