– સોનિયા અને રાહુલ ગાંધી સામેના નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા ED નો કેસ રદ્દ કરવામાં આવતા યોજ્યો હતો કાર્યક્રમ
– કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પદયાત્રા શરૂ કરે એ પૂર્વે જ પોલીસે કરી અટકાયત : કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ભરૂચ,
ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. “સત્યની જીત” નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની ધરપકડ કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.જે બાદ અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાતા ત્યાં પણ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,કોંગી નેતા શેરખાન પઠાણ,શકીલ અકુજી,ઝુબેર પટેલ સહિતના આગેવાનો,કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પદયાત્રા તેઓના સ્ટેશન રોડ પર આવેલ કાર્યાલયથી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો.અટકાયત દરમ્યાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી.મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યો હતો અને અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. “સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેમ જણાવ્યું હતું.







