આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ૬૪ની બિસ્માર હાલતથી વાહનચાલકો પરેશાન

SHARE:

ભરૂચ,

આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ એક જ વર્ષમાં ખખડધજ થઈ જતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.તેમજ રોડની આસપાસ દુકાન ધરાવનાર દુકાન માલિકો તેમજ રાહદારીઓ ધૂળથી પરેશાન બની ચૂક્યા છે.ત્યારે આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાહદારીઓ અને વાહનચાલકોને અવાજ બની સ્થાનિક ધારાસભ્યને રોડનું નિરીક્ષણ કરવા પડકાર ફેંક્યો હતો.જેથી રોડ મુદ્દે આમોદનું રાજકારણ ગરમાયું હતું.

આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે.તેની હાલત અત્યંત બિસ્માર હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને વહીવટી તંત્ર સામે તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો હતો કે રોડની ખખડધજ હાલતને કારણે ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે,જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ ઉપર સવાર થઈ વિકાસના કામોનું નિરીક્ષણ માટે નીકળે છે, ત્યારે તેમને આમોદના નેશનલ હાઈવે નંબર ૬૪ આ દુર્દશા કેમ દેખાતી નથી? અને સ્થાનિક ધારાસભ્યને ટૂંક જ સમયમાં બિસ્માર બનેલા રોડનું નિરીક્ષણ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં  થતી હોવાથી તેમણે સરકારને બહેરી અને મૂંગી ગણાવી હતી.તેમજ ભાજપની ગુજરાત સરકાર સામે  કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માત્ર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરતા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!