ભરૂચ,
આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૪ માં પ્રમુખના વિસ્તારમાં જ દુર્ગંધ મારતી ઊભરતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.જેથી પાલિકા પ્રમુખ પોતાના મત વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનું આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યું છે.
આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૪ મચ્છી માર્કેટ વિસ્તારમાં દુર્ગંધ મારતી ઊભરતી ગટરોને કારણે ઠેર ઠેર બિમારી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.અનેક લોકોને ઝાડા ઉલટી થયા હોવાનું સામે આવ્યું છે.જેથી વિસ્તારમાં ફેલાયેલા ઝાડા અને ઊલટીના વાવરથી ફફડી ઉઠેલી મહિલાઓએ
જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકા કચેરીમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો.જોકે પાલિકા કચેરીમાં પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર નહીં મળતા સ્થાનિક સદસ્ય સમક્ષ વેદનાઓ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસથી દુર્ગંધ મારતી ગટરો જાહેર માર્ગ ઉપર તેમજ ઘરઆંગણાં સુધી ઉભરાઈ રહી હોવા છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મહિલાઓ રણચંડી બની પાલિકામાં ધસી ગઈ હતી અને મહિલાઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૫ દિવસથી રજૂઆતો કરી રહ્યા છીએ,પરંતુ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી.ગંદકીના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બીમારીઓથી પીડાઈ રહ્યા છે.બોટલ,ઈન્જેક્શન અને દવાઓના સહારે દિવસો પસાર કરી રહ્યા છીએ.”
હાલ તો દુર્ગંધ મારતી ગટરોથી રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઈ છે.પરંતુ પાલિકા શાસકોની જાડી ચામડી પર કોઈ અસર દેખાતી નથી.







