ભરૂચ,
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવા અને તેમનામાં નાનપણથી જ વ્યવસાયિક સૂઝબૂઝ કેળવવાના ઉમદા હેતુ સાથે પુરસા નવીનગરી મિશ્ર શાળા નં.૨ ખાતે ‘આનંદ મેળા’નું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.આનંદ મેળામાં ધોરણ ૧ થી ૮ ના આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ૫૫ જેટલા વૈવિધ્યસભર સ્ટોલ્સ ઉભા કર્યા હતા.બાળકોએ સ્વહસ્તે તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર આયોજનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.જે વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.સ્ટોલના સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓ એક કુશળ વેપારીની જેમ વસ્તુઓનું માર્કેટિંગ કરતા, કિંમતો નક્કી કરતા અને ગ્રાહકો સાથે આત્મ વિશ્વાસપૂર્વક સંવાદ સાધતા જોવા મળ્યા હતા.આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં ટીમવર્ક, આર્થિક વ્યવહારોની ગણતરી,નફો-નુકસાનની સમજ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા જેવા જીવનલક્ષી કૌશલ્યોનો વિકાસ થયો હતો.શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો બાળકોના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થાય છે.આ પ્રકારના અનુભવો બાળકોમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે,જે તેમને ભવિષ્યના સક્ષમ નાગરિક બનવામાં મદદરૂપ થશે.વાલીઓ અને નગરજનોએ પણ શાળાના આ નવતર પ્રયોગની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.







