– પરિવારજનોમાં શોકની લાગણી : પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી
ભરૂચ,
જંબુસર તાલુકાના મંગણાદ ગામે નીલગાયની અડફેટે આવતા બાઈક સવારનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.તો બનાવ સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે રહેતા વિજયભાઈ ખુમાનસંગ ગુરુવારના રોજ સવારે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક નીલગાય રોડ પર આવી જતા નીલગાય સાથે અથડાયા બાદ તેઓ રોડ પરથી પસાર થઈ થતી એક ફોર વ્હીલર સાથે અથડાતા આ અકસ્માતમાં વિજયભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જંબુસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.અકસ્માતની જાણ તેઓના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેઓના મોતના સમાચાર સાંભળતા શોકની લાગણી પ્રસરી હતી.આ અકસ્માત અંગે જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકામાં નીલ ગાયનો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે તંત્રએ નીલ ગાયના કારણે થતા અકસ્માતોને રોકવા કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે.







