આમોદ પાલિકાના તત્કાલીન પ્રમુખને ૪.૨૫ કરોડની પાણીની ટાંકીની ગેરરીતિમાં પ્રાદેશિક કમિશ્નરે ૩૭.૯૯ લાખનો દંડ ફટકાર્યો

SHARE:

– આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને તત્કાલીન  પ્રમુખ સમીમ મકસુદ પટેલ પાસેથી દંડ વસુલ કરવા આદેશ કર્યો

ભરૂચ,

આમોદ નગરમાં મોટા તળાવ પાસે વર્ષ ૨૦૧૫માં રૂપિયા ૪.૨૫ કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી તથા સંપના કામમાં ગેરરીતિ જણાતા આમોદ પાલિકાના તત્કાલીન પ્રમુખને કસૂરવાર ઠેરવી પ્રાદેશિક કમિશનરે ૩૭.૯૯ લાખનો દંડ ફટકારતા ભ્રષ્ટાચારી નગરસેવકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને આમોદ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

આમોદ નગરપાલિકામા મોટા તળાવ પાસે UIDSSMT યોજના અંતર્ગત ગુજરાત શહેરી મિશન દ્વારા પાણીની ઊંચી ટાંકી તથા સંપ બનાવવા મંજૂરી આપવામાં આવી હતી.જેમાં વડોદરાની પાવર હાઈડ્રોલિક એન્જીનીયર્સ એજન્સી કામ આપવામાં આવ્યું હતું.જે પાણીની ટાંકીમાં ગેરરીતિની ફરિયાદ થતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરને તપાસનું કામ આપવામાં આવ્યું હતું.જેમાં ઊંચી ટાંકીના બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું જણાવ્યું હતું.જે પાલિકાને જાણ કરવા છતાં નગરપાલિકા દ્વારા એજન્સીને મસમોટું બિલ ચૂકવી આપવામાં આવ્યું હતું.તેમજ એજન્સીની ૧૦,૪૬,૮૬૩ ની સિક્યુરિટી ડિપોઝિટ પણ ચૂકવી આપવામાં આવી હતી.જે બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ પાલિકાના તત્કાલીન પ્રમુખ સમીમ મકસુદ પટેલનો સાત વખત જવાબ લેવામાં આવ્યો હતો.ત્યારે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા તત્કાલીન પ્રમુખને તેમની જવાબદારી નું ભાન કરાવતો હુકમ કરવામાં આવ્યો હતો કે પ્રમુખ નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે અંતિમ સત્તા અને જવાબદારી ધરાવે છે.પ્રમુખ પાસે ચૂકવણી રોકવાની,પુનઃચકાસણી કરવાની તથા યોગ્ય નિર્ણય કરવાની સત્તા હતી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ પ્રમુખને આપવામાં આવેલી સત્તાઓ સામે ફરજ નિભાવવાની જવાબદારી પણ સંકળાયેલી છે.ટાંકીના બાંધકામની ગુણવત્તા અંગે નકારાત્મક રીપોર્ટ ઉપલબ્ધ હોવા છતાં ચૂકવણી થવા દેવામાં આવી તે ફરજમાં ગંભીર બેદરકારી તથા સરકારી નાણાનો અયોગ્ય વ્યય સમાન છે.વધુમાં પ્રાદેશિક કમિશનરે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને હુકમની તારીખથી તત્કાલીન પ્રમુખ સમીમ પટેલ પાસેથી રેવન્યુ રાહે રૂપિયા ૩૭,૯૯,૬૧૭ વસુલ કરવા આદેશ કર્યો હતો.તેમજ પાલિકાના તમામ સદસ્યોને પણ તાકીદ કરી હતી કે કોઈપણ વિકાસના કામ કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલા નીતિ નિયમો અને સૂચનાઓનું પાલન કરવામાં આવે.સુરત પ્રાદેશિક કમિશનરના હુકમથી ભ્રષ્ટાચારી નગરસેવકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!