ભરૂચ,
ભરૂચ શહેરના કસક ગરનાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
માહિતી મુજબ મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનાળામાં પ્રવેશી ગયો હતો.આ ટ્રક ગરનાળામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી.જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ ન હતી. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.આ ઘટનાને કારણે નાના-મોટા વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઘણા લોકો તેમના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા.જ્યારે સ્કૂલ વાહનો અને ઈમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી.નોંધનીય છે કે કસક ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે.તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે જે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખની અસરકારકતા પર સવાલ ઉભા કરે છે.
સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમનો મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે.જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.




