– ઝઘડિયા જીઆઈડીસી પોલીસે શુભ ફાર્મા કેમ્પ,જયંત પેકિંગ કંપની,વિકાસ એન્ટરપ્રાઈઝ અને જીપ્રોક કંપનીઓના કુલ ૪ કોન્ટ્રાક્ટરો સામે કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવવા બદલ ગુના દાખલ કર્યા
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર,ઝઘડિયા,પાનોલી, દહેજ જેવા વિસ્તારો આજે ઔદ્યોગિક વિકાસથી ધબકી રહ્યા છે.ત્યારે જીલ્લાની વિવિધ જીઆઈડીસીઓની કંપનીઓમાં પોતાના કામદારોને ફરજ પર મુકતા લેબર કોન્ટ્રાક્ટરો પૈકી કેટલાક કોન્ટ્રાક્ટરો કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવતા હોવાની વિગતો સામે આવી રહી છે. ભરૂચ જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કામદારોનું જાહેરનામા મુજબ પોલીસ વેરિફિકેશન થયેલ છે કે કેમ તેની તપાસ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં કાર્યરત વિવિધ કંપનીઓમાં કામ કરતા લેબરો સંબંધીત તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમ્યાન જીઆઈડીસીની ૪ કંપનીઓમાં ફરજ પર કામદારો મુકનાર ચાર જેટલા લેબર કોન્ટ્રાક્ટરોએ તેમના લેબરોનું પોલીસ મથકમાં જરૂરી વેરિફિકેશન નહિ કરાવ્યું હોવાનું જણાયું હતું.
મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીની શુભ ફાર્મા કેમ્પ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર હાર્દિક ગણપતભાઇ પટેલ રહે.આમ્રકુંજ સોસાયટી જલધારા ચોકડી પાસે અંકલેશ્વરનાએ કંપનીમાં ફરજ પર મુકેલ ૮ જેટલા કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું,તેમજ જયંત પેકિંગ કંપનીમાં કાર પેન્ટરના કામ હેઠળ કોન્ટ્રાક્ટર રામસુરત શિવનારાયણ રહે.ગામ દધેડા તા.ઝઘડિયાનાએ ૧૦ કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું,જીઆઈડીસીની વિકાસ એન્ટરપ્રાઈઝ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દિપક રામશરન યાદવ રહે.અંકલેશ્વરનાએ ૫ પરપ્રાંતિય કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું,જ્યારે સેન્ટ ગોબિન ઈન્ડિયા પ્રા.લિ.જીપ્રોક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર શુભમભાઈ અશોક ચૌબે હાલ રહે.દઢાલ તા.અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાએ તેના કોન્ટ્રાક્ટમાં માણસો મુકીને તેમનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે કંપનીઓમાં પોતાના કામદારો ફરજ પર મુકીને તેમનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવવા બદલ ઉપરોક્ત ચારેય લેબર કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની અન્ય કેટલીક કંપનીઓમાં પોતાના કામદારો ફરજ પર મુકતા કેટલાક લેબર કોન્ટ્રાક્ટરો કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવીને જાહેરનામાનો ભંગ કરતા હોવાની બુમો ઉઠવા પામી છે.ત્યારે આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેવી સંભાવના જણાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is