ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને વેગ આપવા લીપન આર્ટની ૧૨ દિવસીય તાલીમનું આયોજન

SHARE:

ભરૂચ,

જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે “દિવ્યાંગ ઈન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ” અંતર્ગત લીપન આર્ટની ૧૨ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચના સોનેરી મહેલ નજીક આવેલ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું.આ તાલીમ દરમ્યાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લીપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે.આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે,જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે.૧૨ દિવસીય તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને લીપન આર્ટની આધુનિક, સર્જનાત્મક તેમજ વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર,જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને,ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની સરાહના કરી હતી.

કાર્યક્રમ અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!