– બેકરી પરથી લીધેલ ફાયર કેન્ડલ ખરાબ હતી એમ કહીને ઝઘડો કરીને મારામારી કરી
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે આવેલ બેકરીના કારીગર અને માલિક સાથે ઝઘડો કરી મારામારી કરવાની ઘટનામાં ઉમલ્લા પોલીસ મથકમાં કુલ છ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડીના રોનક તરૂણકુમાર પંડ્યાની માલિકીની બે બેકરી છે જેમાં એક બેકરી ઉમલ્લા ખાતે અને એક રાજપારડી ખાતે આવેલ છે.તા.૧૦ મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં ઉમલ્લા ખાતેની બેકરી પર કામ કરતા રાહુલ જાટવ સાથે બેકરી પર આવેલ કેટલાક ઈસમો મારામારી કરતા હોવાની જાણ થતા રોનકકુમાર પંડ્યા તેમના અન્ય માણસો સાથે ઉમલ્લા ગયા હતા.ત્યાં જતા જાણ થઈ હતી કે રાતના પોણા આઠ વાગ્યાના સમયે ઉમલ્લાના કપાટ રોડ પર રહેતો હનીફ દાઉદ પટેલ,તેજપોર ગામનો બાબુ શીવલાલ વસાવા,વલા ગામનો આઝાદ ભુપત વસાવા તથા અન્ય એક રાખોડી કલરની ટી શર્ટ અને ભુરા કલરનું જીન્સ પહેરેલ ઈસમ બેકરીની દુકાન પર આવ્યા હતા અને દુકાન માંથી એક કેક લઈને બાબુ કિંગ નામ લખાવીને રૂપિયા ૩૦૦ આપ્યા હતા અને ફાયર કેન્ડલ લઈને જતા રહ્યા હતા.ત્યાર બાદ થોડા સમય બાદ બાબુ શીવલાલ વસાવા,આઝાદ ભુપત વસાવા તેમજ રાખોડી કલરની ટી શર્ટ પહેરેલ ઈસમ બેકરી પર આવ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા.આ બાબતની જાણ થતા બેકરી માલિક રોનકકુમાર ઉમલ્લા આવ્યા હતા.ત્યારે ઉપરોક્ત ઈસમો ફાયર કેન્ડલ ખરાબ હતી એમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.આ સાંભળીને રોનકભાઈએ કહેલ કે કેન્ડલ તો બહારથી આવે છે.આ સાંભળીને એ લોકો એકસંપ થઈને રોનકભાઈ અને તેમની સાથેના માણસો સાથે ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યા હતા.આ ઝઘડા દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલ રોનકકુમારને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ઘટના સંદર્ભે રોનકકુમાર પંડ્યા રહે.દેસાઈ ફળિયું રાજપારડીનાએ હનીફ દાઉદ પટેલ રહે.કપાટ રોડ ઉમલ્લા તા.ઝઘડિયા,બાબુ શીવલાલ વસાવા રહે.ગામ તેજપોર તા.ઝઘડિયા,આઝાદ ભુપત વસાવા રહે.ગામ વલા તા.ઝઘડિયા તેમજ અન્ય ત્રણ ઈસમો (જેમના નામ જાણવા મળેલ નહિ) વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




