(સંજય પટેલ,જંબુસર)
જંબુસરના સરદાર નગર (નવી વસાહત) વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલું ગટર લાઈનનું કામ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત બન્યું છે.નવી લાઈનના ખોદકામ દરમ્યાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડ્યું છે,જેના કારણે રહીશોના ઘરે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે.ખોદકામમાં પાણીની લાઈન તૂટતા ગટરનું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભળી જતા ૧૫ દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બનેલા રહીશોમાં ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગચાળાનો ફાફડાટ ફેલાયો છે.સ્થાનિક કાઉન્સિલર અને તંત્રની મૌન સેવતી ભૂમિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેને લઈને સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત અર્થે પહોંચ્યા હતા.
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે પાઈપ લાઈનનું સમારકામ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સરદાર નગર નવી વસાહતમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા હાહાકાર મચ્યો છે.ત્યારે ૧૫ દિવસથી તંત્ર ઘોર નિદ્રામાં છે.શું તંત્ર કોઈ મોટી બીમારીની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ઉભા થયા છે.




