ભરૂચ,
વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને એસ એન્ડ આર ક્લબ, જી.એન.એફ.સી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ૧૯ ફેબ્રુઆરીની સાંજે જી.એન.એફ.સી ટાઉનશીપના લેડીસ ક્લબ હોલ ખાતે ‘માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬’ અંતર્ગત ભવ્ય કવિ સંમેલન સંપન્ન થયું હતું.
કાર્યક્રમની શરૂઆત સંયોજક અંકુર બૅન્કરના સ્વાગત પ્રવચનથી થઈ હતી.અકાદમીના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ જ્હાએ તેમના શુભેચ્છા સંદેશ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધનનો મર્મ સમજાવ્યો હતો.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
મુખ્ય અતિથિ મીનલબેન દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા આપણી અસ્મિતા છે. અતિથિ વિશેષ પંકજ પુરોહિતે માતૃભાષા માત્ર સાહિત્યના પુસ્તકો પૂરતી મર્યાદિત ન રહેતા આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં અને ઘરમાં એનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી યાકેશ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની ગરિમા વધારી હતી.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કવિ સંમેલન રહ્યું હતું.જેનું સંચાલન મયૂર કોલડિયાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. કવિઓ સંદીપ પૂજારા, મયુરિકા લેઉવા અને કમલેશ ચૌધરીએ પોતાની હૃદયસ્પર્શી રચનાઓ, ગઝલો અને ગીતો રજૂ કરી શ્રોતાઓને સાહિત્યિક સફર કરાવી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં દક્ષેશ પંચોલી દ્વારા તમામ કલાકારો અને આમંત્રિતોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનની આભારવિધિ કૌશલ મોદી દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમનાં સંકલનની ભુમિકા પ્રદ્યુમ્ન ખાચરે સુપેરે નિભાવી હતી.
ભરૂચના સાહિત્ય પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ મહોત્સવને સફળ બનાવ્યો હતો.




