(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મંગળવારે બપોરે બે મોટરસાયકલ વચ્ચે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.બનાવને પગલે વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ વસાવાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨ વાગ્યાના સમયે ખાખરીપુરા ગામથી ઉમલ્લા ગામ તરફ જતા માર્ગ પર આવેલા વળાંક પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન હંકારી પાણેથા ગામના રહેવાસી વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ચલાવતા હિરો હોન્ડા મોટરસાયકલ સાથે ટક્કર મારી હતી.અકસ્માતમાં વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉ.વ.૩૮ ને માથાના કપાળના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેમજ સાથે રહેલા ગુમાનભાઈ હરિભાઈ વસાવા ઉ.વ. ૫૮ ને ચહેરા પર ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેમનું પણ મોત થયું હતું.
આ અકસ્માતમાં ધનુબેન ગુમાનભાઈ વસાવા ઉ.વ. ૫૫ને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામેની બાઈકના ચાલક ભલાભાઈ દેવસીભાઈ વ્યાસ ઉ.વ. ૪૦ ને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતમાં પાછળ બેસેલા વ્યક્તિને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે ઉમલ્લા સીએચસી ખાતે સારવાર દરમ્યાન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.




