ભરૂચ,
ભરૂચ શહેરમાં આવનારી રામનવમી તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે થાય તે હેતુસર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.જેના અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા પૂર્વ સંધ્યાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
શહેરના ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો. ફ્લેગ માર્ચ એ ડિવિઝન વિસ્તારના સોનેરી મહેલથી શરૂ થઈ લલ્લુભાઈ ચકલા, હાજીખાના, ઊંડાઈ, ધોળીકુઈ માર્ગે કસક ગરનાળા સુધી ફેરવાયો હતો.આ દરમ્યાન રામનવમીની શોભાયાત્રા નીકળવાના રૂટ પર ખાસ નજર રાખવામાં આવી હતી.
આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ.વસાવા, સેકન્ડ પીઆઈ ડી.એ. ક્રિશ્ચિયન સહિત પીએસઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા.પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસ તંત્રના આ પ્રયત્નોથી શહેરમાં રામનવમી તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.




