ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી

SHARE:

– તસ્કરો ગર્ભગૃહ સુધી ઘૂસ્યા! : પોલીસે તપાસ હાથધરી 

ભરૂચ,

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર માનાતું શક્તિનાથ મહાદેવ મંદિર તસ્કરોના નિશાને ચઢ્યું છે.ગતરોજ મધરાત્રી બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘુસી આવ્યા હતા અને મંદિરમાં રહેલા મૂલ્યવાન ધાર્મિક આભૂષણો પર હાથ સાફ કર્યો હતો.

મળતી માહિતી મુજબ તસ્કરો શિવલિંગ પર લગાવેલા ચાંદીનું છત્ર,નાગ તેમજ મંદિરની અંદર સ્થિત ભગવાનની પ્રતિમાઓ પર રહેલા આભૂષણોની ચોરી કરી ગયા હતા. ચોરી કર્યા બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ સરળતાથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.

સવારે નિયમિત પૂજા માટે મંદિર પહોંચેલા પૂજારી નૈનેષ જોષીએ મંદિરના દરવાજા ખોલવા જતા જ ચોરીની ઘટના સામે આવી હતી.મંદિરની અંદર ચોરી થયેલી હાલત જોઈ તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પૂજારીના જણાવ્યા મુજબ,મંદિરેથી અંદાજિત રૂપિયા 3 થી 4 લાખ જેટલી મૂલ્યવાન સામગ્રીની ચોરી થઈ હોવાનું અનુમાન છે.

ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથધરી હતી.પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી, તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત, તસ્કરોના પગેરા મેળવવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સ્થળે સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે. પોલીસે તસ્કરોને ઝડપવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!