– ભરૂચ પાલિકાની 44 બેઠક માટે 250થી વધુ ટિકિટવાંછુઓ
ભરૂચ,
આગામી ભરૂચ નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ હવે ગરમાવા લાગ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મનહર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.જેમાં ચૂંટણીના આયોજન અને ઉમેદવારી ફોર્મ અંગેની પસંદગી માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસ પ્રભારી મનહર પટેલે જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડ માટે અત્યાર સુધીમાં અંદાજે 250 ફોર્મ ભરાયા છે.જેથી લાગે છે કે લાંબા સમય બાદ કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ છે અને કોંગ્રેસ ફરી એકવાર ભરૂચ નગરપાલિકામાં સત્તા હાંસલ કરશે.આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કડક માપદંડો રાખવામાં આવશે જેમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમોમાં હાજર રહેલા કાર્યકરોને પ્રાધાન્ય અપાશે.તે ઉપરાંત પક્ષ પ્રત્યેની વફાદારી સૌથી મહત્વનું પાસું ગણાશે.
ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમભાઈ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારને તક મળશે.અને ભરૂચમાં ફરી એકવાર કોંગ્રેસનો પંજો લહેરાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અન્ય પક્ષમાંથી આવતા લોકોના ટિકિટ ફાળવણી અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પ્રદેશ કક્ષાએથી નક્કી કરાયેલા ધારાધોરણો મુજબ જ પેનલ બનાવીને નિર્ણય લેવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ આગામી પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




