– દિવ્યાંગ સહાય યોજના પ્રશ્નચિહ્ન હેઠળ અધિકારી પાસે પહોંચ્યો મુદ્દો
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલા મોબાઈલ ફોન અંગે અસંતોષ વ્યક્ત કરી દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા આપવામાં આવેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.તો બીજી તરફ સમાજ સુરક્ષાના અધિકારીએ તેઓની રજૂઆત ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથધરી હતી.
દિવ્યાંગજનોએ જિલ્લા સુરક્ષા અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G ફોન ટેક્નિકલ રીતે નબળા છે અને “TalkBack” જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે,જેના કારણે દિવ્યાંગ લોકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે.સાથે જ તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન રૂ.20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે,પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા છે.જેનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરસમજ ઉભી થઈ છે.
અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને આ મોબાઈલ પરત લઈ ગુણવત્તાસભર 5G મોબાઇલ ફોન આપવામાં આવે અને આ યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અરજદારોની માંગ અને રજૂઆત વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
દિવ્યાંગો માટેની સરકારી સહાયની યોજનામાં ઉઠેલી ફરિયાદનું નિવારણ કરવામાં આવે તે આવશ્યક છે.




