– પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઈન ઊભી કરવાના પગલે ખેડૂતોની જમીનમાં પ્રવેશ કરાઈ રહ્યો છે અને યોગ્ય વળતર મળતું નહિ હોવાનો ખેડૂતોનો આક્ષેપ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના અનેક ગામોના ખેડૂતો હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઈન માટે ખેડૂતોની ખેતીની જમીનમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી! તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, અંકલેશ્વર હાંસોટ સહિતના કેટલાક ખેડૂતો દ્વારા જિલ્લા પ્રશાસનને આ બાબતે રજૂઆત કરતા જિલ્લા પ્રશાસન દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય અને જાહેર હિત માટેનો છે અને તેને અટકાવી શકાય નહીં, ખેડૂતો પણ વિકાસના વિરોધી નથી પરંતુ પ્રશ્ન એ છે કે આ જાહેર હિત નો ભાર ફક્ત ખેડૂતો પર કેમ જ નાખવામાં આવી રહ્યો છે? જો આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિતમાં છે તો પછી ખેડૂતોને તેની જમીન માટે માત્ર અંદાજે ૧૦ % જેટલું વળતર અથવા ખૂબ ઓછા દરે આપવા માટે જ દબાણ કેમ કરવામાં આવે છે! શું આજ નિયમ પાવર ગ્રીડ ને સામગ્રી સપ્લાય કરતી અન્ય કંપનીઓ માટે લાગુ પડે છે? શું જિલ્લા કલેકટરે કંપનીઓને પણ આદેશ આપે છે કે તેઓ આ માલ સામાન ૯૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપે? કારણ કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિતનો છે! આ બાબતે ખેડૂતોએ અનેક સવાલ ઊભા કર્યા છે, તેમણે જણાવ્યું છે કે જ્યારે રાષ્ટ્રીય હિતનો તર્ક છે તો ફક્ત ખેડૂતો માટે જ કેમ લાગુ પડે છે અન્ય સપ્લાયર કંપની માટે કેમ નથી લાગુ પડતો. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કોમર્શિયલ સ્વરૂપનો છે, પાવર ગ્રીડ કંપની આ લાઈન દ્વારા ટેરિફ વસુલી નફો કમાવવાની છે એટલે આ પ્રોજેક્ટ ચેરીટી નથી ત્યારે ખેડૂતોને બજાર દરે પૂર્ણ વળતર નહીં આપવું એ ગંભીર અસમાનતા દર્શાવે છે! આ ઉપરાંત પ્રોજેક્ટ આઇએસટીએસ હેઠળ આવે છે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ મુજબ આવા પ્રોજેક્ટ માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની જોગવાઈ છે જેમાં એક ખેડૂત પ્રતિનિધિ પણ સમાવેશ થવો જોઈએ, જેથી જમીનનું ન્યાયસંગત બજાર મૂલ્ય નક્કી કરી શકાય, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ગુજરાત સરકાર અને ભરૂચ જિલ્લાના પ્રશાસન દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી એમઆરસી બનાવવામાં આવ્યું નથી અને ખેડૂત પ્રતિનિધિને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અલગ જીઆર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ આ જીઆરમાં આઈએસટીએસ પ્રોજેક્ટ માટે કોઈ વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ નથી એટલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અવગણવામાં આવી રહી હોવાનો ગંભીર સવાલ ઊભા થાય છે તેમ ખેડૂતોએ જણાવ્યું છે, વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રસાશન દ્વારા ફક્ત ખેડૂતોને જ આદેશ આપવામાં આવે છે અને દબાણ કરવામાં આવે છે જ્યારે કંપનીને કોઈ સ્પષ્ટ જવાબદારી સોંપવામાં આવતી નથી. અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક ગામો અને સેકડો ખેડૂતોની જમીનના પ્રોજેક્ટર આવે છે, ખેડૂતો માટે જમીન માત્ર સંપતિ નથી પરંતુ જીવન જીવવાનો આધાર છે, આવા સંજોગોમાં યોગ્ય વળતર વિના જમીનમાં પ્રવેશ કરવો ખેડૂતો માટે ગંભીર અન્યાય સમાન છે, એક અસરગ્રસ્ત ખેડૂતે જણાવ્યું હતું કે અમારી જમીન લઈ જાય છે પરંતુ યોગ્ય વળતર આપતા નથી આ સીધો અન્યાય છે, અમે વિકાસના વિરોધી નથી પરંતુ અન્યાય સ્વીકાર્ય નથી, ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોને કોમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવામાં આવે, માર્કેટ રેટ કમિટી તાત્કાલિક રચવામાં આવે અને તેમાં ખેડૂત પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે, કંપનીને સીધી જવાબદારી સોંપવામાં આવે કે તે વળતર ચુકવે, ખેડૂતોની જમીનમાં જબરજસ્તી પ્રવેશ તાત્કાલિક બંધ કરવામાં આવે, ખેડૂતો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને કંપની પર રહેશે, ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આવા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે ખેડૂતોને કોમર્શિયલ જંત્રી મુજબ વળતર આપવામાં આવ્યું હોવાના ઉદાહરણ સામે આવે છે, આ સંજોગોમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું જુદા જુદા જિલ્લાઓમાં કલેકટરના અધિકારીઓ અને નિયમો અલગ અલગ હોય છે? કે પછી એક સરખા હોય છે, જો અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને બજાર દર મુજબ વળતર આપવામાં આવ્યું છે તો ભરૂચ જિલ્લામાં તે જ સિદ્ધાંત કેમ લાગુ કરવામાં આવતો નથી? આ પરિસ્થિતિમાં નીતિ અને અમલ વચ્ચે અસંગતતા દેખાઈ રહી હોવાનો ખેડૂતોમાં અનુભવ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.




