ભરૂચ,
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એમ.કે. કોલેજ સામે આવેલ આત્મીય સંસ્કાર ધામના ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રાત્રિના સમયે ગૌસેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે વિવિધ ગ્રુપના સૌજન્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને લોકગાયક સાગરદાન ગઢવીએ પોતાની કલાત્મક રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધા હતા.લોકસંગીત અને ડાયરાના રંગે રંગાયેલા વાતાવરણમાં લોકો ઉત્સાહભેર ઝૂમી ઊઠ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટના રાજકીય આગેવાન રણદીપસિંહ રીબડા પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોમાં ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, માર્મિક પટેલ, જિતેન્દ્ર પરમાર,દિનેશ આહિર, કિરપાલ વાઘેલા,નરેશ ઠક્કર, કરજીત પટેલ, કૃણાલસિંહ ડાયમા અને કૌશિક સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક હેતુ સાથે જોડાયેલા આ આયોજનને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.આ લોકડાયરામાં લોકોએ બંને ગાયકો ઉપર નોટોની વર્ષા પણ કરતા લોકોનો ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો.




