– વહીવટી તંત્ર દ્વારા રતન તળાવનું ચાલી રહ્યું છે બ્યુટીફિકેશનનું કામ
– અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિકોને દહેશત : તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ થાય તેવી માંગ
ભરૂચ,
ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ચિંતાનો માહોલ સર્જાયો છે.તાજેતરમાં તળાવના વિકાસ માટે અંદાજે 7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતાં અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે.આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.લોકોનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે.
નોંધનીય છે કે અગાઉ પણ આ જ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા.પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવા માંગણી કરી છે.




