દહેજની જીએફએલ કંપનીના વેર હાઉસ માંથી થયેલ સાડા ત્રણ કરોડની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

SHARE:

– ચીખલીગર ગર ગેંગને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા : જીલ્લા પોલીસ વડાએ ટીમને અભિનંદન પાઠવ્યા 

– એક વોન્ટેડ : અન્ય ચોરીના ભેદ ઉકેલાયા : બે આરોપી સામે દહેજ પોલીસમાં ગુના નોંધાયા છે 

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે.દહેજ સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી રૂપિયા 3.16 કરોડની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીમાં ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝન પોલીસ મથકમાં એસસી એસટી સેલના ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.જેમાં દહેજ પીઆઈ હિતેશ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમ્યાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું.તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરોની હલચલ પર નજર રાખવામાં આવી હતી.આ દરમ્યાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથધરી હતી.પરિણામે પોલીસે વિશાલદીપસીંગ સિંધ, ગુરુસેવકસીંગ ગીલ,હરવિન્દ્રસિંધ જાટ,રાજદીપસીંગ જાટ, ભગીરથ ગુર્જજર,જયદેવ પટેલ મળી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.તો બાલવિંદરસીંગ જાટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.તો આ ગુના સાથે અન્ય ત્રણ ગુનાના ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી હતી.રાજદીપસીંગ જાટ વિરુદ્ધ દહેજ પોલીસ મથકમાં એક ગુનો અને જયદેવ પટેલ સામે દહેજ પોલીસ મથકમાં બે ગુનો નોંધાયા છે.

ઝડપાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટાભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે,તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!