(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ટિકિટ ફાળવવા થી માંડીને પક્ષ પલટા અને કાર્યકર્તાઓ દ્વારા રાજીનામાં આપવાની મોસમ ચાલી રહી છે.કોંગ્રેસ, ભાજપા આને આપ માં આવન જાવન શરૂ થઈ ગઈ છે જેમાં પાછલે બારણેથી ધાક ધમકી,લાલચ,પ્રલોભનો અને સામ દામ દંડ ભેદની રાજનીતિ પણ શરુ થઈ ચુકી છે હાલ આમ આદમી પાર્ટીનું જોર વધતું જાય છે ત્યારે આપના દોડતા ઘોડાને રોકવા રાજકીય ખેલ પણ ખેલાઈ રહ્યા છે જેમાં આપના ઘણા કાર્યકર્તાઓ આગેવાનો ઉમેદવારો રાજીનામાં આપી અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યાં છે ત્યારે મતદાન પર અને પરિણામ પર એની કેવી અસર પડશે એ તો સમય જ બતાવશે. પણ હાલ આપના ઘણા નારાજ ઉમેદવાર કાર્યકર્તાઓ રાજીનામાં આપી રહ્યાં છે ત્યારે આપને એનાથી કેટલું નુકસાન થશે એ તો સમય જ બતાવશે.હાલ તો જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે.ડેડીયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ એમ વસાવાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.
તેઓએ આ બાબત અંગે પક્ષના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખીને જાણ કરી છે.પોતાના રાજીનામા પત્રમાં રાજેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું છે કે તેઓ લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. છતાં, સ્થાનિક સ્તરે કેટલાક નિર્ણયો દરમિયાન તેમની અવગણના થતી હોવાની લાગણી વ્યક્ત કરી છે.તેમણે વધુમાં લખ્યું છે કે તાલુકા અને જિલ્લા સ્તરે પાર્ટીના વિસ્તરણમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હોવા છતાં તેમને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. તેમજ તાજેતરમાં ઉમેદવારી પ્રક્રિયા દરમ્યાન પણ તેમની સાથે ન્યાય ન થયો હોવાનો આક્ષેપ કર્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું છે.સાથે જ તેમણે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી પણ પોતાને મુક્ત કરવા વિનંતી કરી છે.
રાજેન્દ્રભાઈ વસાવાના આ રાજીનામાથી નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને સંગઠનાત્મક રીતે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ ઘટનાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




