ભરૂચ,
ભરૂચના દહેજ ખાતે ભૂતનાથ ચેરીટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા.
અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ભૂતનાથ ચેરીટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો.આ પ્રસંગે કુલ 26 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલા માંડ્યા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી.કાર્યક્રમ દરમ્યાન અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી સહિત વિવિધ સંતો-મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના આગેવાનો,ટ્રસ્ટના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનો અનોખો દૃશ્ય રજૂ કરતો રહ્યો.ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરીટેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે જે સમાજસેવાનો ઉત્તમ દાખલો ગણાય છે.આ પ્રસંગે ટ્રસ્ટના નકુલસિંહ રણા, જયદીપસિંહ રણા,ચંપકસિંહ રણા,જયેન્દ્રસિંહ રણા અને નરેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




