ભરૂચ,
સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભ્રુગુઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તેમજ તેમના માતા-પિતાની પ્રતિમાઓનું કેસર સ્નાન અને વિધિવત પૂજન-અર્ચન શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષ દવેના હસ્તે આચાર્ય હરેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સાંજે ૪ કલાકે નવાડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતુ.જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખીયાત્રા પ્રસ્થાન થઈ હતી.વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રા નવાડેરાથી પ્રારંભ થઈ હાથિખાના બજાર, દાંડિયા બજાર થઈને ભ્રુગુઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી.મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશ પુરોહિત, જયેન્દ્ર ભટ્ટ, અમરીશ દવે અને કમલેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો.




