કચરાના ઢગલા માંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારતા શ્રમજીવી વધુમાં વધુ મહત્તમ મતદાન કરવા લોકોને અપીલ

SHARE:

– જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ

– આ કચરો વીણતા શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો ‘રાજા’ તો મતદાર પોતે જ છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાયકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે.વ્યવસાયે કચરો વીણવાનું કામ કરતા આ વ્યક્તિ આખો દિવસ ગામ અને તાલુકાના કચરાના ઢગલા માંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારે છે.પણ અત્યારે તેમની લારી પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે, તો કોંગ્રેસનો ઝંડો પણ તેમણે સાથે રાખ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે “તમે કઈ પાર્ટીમાં છો?” ત્યારે તેમનો જવાબ કોઈપણ રાજકીય પક્ષ કરતા પણ વધુ ગહન હતો.તેમણે કહ્યું કે, તેમને કોઈ પક્ષ સાથે અંગત લેવાદેવા નથી.તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે વધુ માં વધુ મહત્તમ મતદાન. “મારે તો ચાર દીકરા છે, કચરો વીણીને ગુજરાન ચલાવું છું.મને કોઈ પાર્ટી પૈસા નથી આપતી, પણ હું ઈચ્છું છું કે લોકો જાગૃત બને. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ. હું આ ઝંડા એટલે લગાવું છું કે લોકો મને જોઈને યાદ કરે કે ચૂંટણી છે અને આપણે વોટ આપવા જવાનું છે.”

ખરેખર,આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન કે વૈભવી ગાડી નથી, જેનો આખો દિવસ ગંદકી વચ્ચે વીતે છે,તે વ્યક્તિ જો લોકશાહી પ્રત્યે આટલી જાગૃતિ બતાવી શકતી હોય,તો એરકન્ડિશન રૂમમાં બેસતા સામાન્ય નાગરિકોએ શું ન વિચારવું જોઈએ? નર્મદા જિલ્લામાં આ વખતે ચૂંટણીનો માહોલ ગરમાયો છે.ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે કાંટાની ટક્કર છે. પણ જીત ગમે તેની થાય, આ કચરો વીણતા શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો ‘રાજા’ તો મતદાર પોતે જ છે.હવે જોવાનું એ રહે છે કે નર્મદાની જનતા કોને સત્તા સોંપે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!