– બે વિભાગોના અધિકારીઓએ સંકલન કરી આછોદ ગામે પાણીની લાઈનનું સ્થળ નિરીક્ષણ કર્યું
ભરૂચ,
દહેજ થી આમોદ વચ્ચે આશરે ૨૬૫ કરોડના ખર્ચે ફોરલેન રોડ બની રહ્યો છે.જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ જે બ્રીજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઈન પસાર થઈ રહી છે.ત્યારે પાણીની લાઈનમા વારવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા ૧૦ હજાર લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે.જેથી કાળજાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રીજની કામગીરી અટકાવી દીધી હતી જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.છેલ્લા ત્રણ દિવસથી નવા બનતા બ્રીજની કામગીરી આછોદ ગ્રામજનોએ અટકાવી દેતા અધિકારીઓની શાન ઠેકાણે આવી હતી અને આજરોજ સંકલન કરી પાણી પુરવઠા વિભાગના અધિકારી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સ્થળ ઉપર આવી પાણીની લાઈનનું નિરીક્ષણ કર્યા બાદ તેમને અહેસાસ થયો હતો કે પાણીની લાઈન ખરેખર બદલવા જેવી છે જેથી તેમણે પાણીની લાઈન બદલવાની ખાતરી આપતા આછોદ ગ્રામજનોની લડતનો સુખદ અંત આવ્યો હતો.
આ પ્રસંગે આછોદ ગામના આગેવાન ઈકબાલ પટેલે તંત્ર દ્વારા લેવામાં આવેલી હકારાત્મક કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સમગ્ર મુદ્દાને પ્રાથમિકતા આપીને લોકો સુધી પહોંચાડનાર મીડિયા કર્મીઓનો પણ આભાર માન્યો હતો.




