ભરૂચ,
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના અપૂરતા પુરવઠા તથા અનિયમિત વિતરણ બાબત – તાત્કાલિક નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે,પરંતુ ભરૂચ શહેરમાં નગરપાલિકાના અણઘડ વહીવટ અને આયોજનના અભાવે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.નાગરિકોમાં ભારે રોષ અને નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. આજે અચાનક તુઘલખી ફરમાન જકારવા માં આવ્યું કે એકજ સમય પાણી નો પુરવઠો આપવા માં આવશે એ નગરપાલિકા ની તુઘલખશાહી અને તાનાશાહી ફરમાન છે.આ તુઘલખી આદેશના કારણે ભરૂચ શહેરની 2.5 લાખ જનતાને ઉનાળામાં પરેશાન કરવાનો કારશો રચ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
વધુમાં શહેરના ઘણા વિસ્તારોમાં દિવસમાં માત્ર 30 મિનિટ જ પાણી આવે છે અને તે પણ અત્યંત ઓછા પ્રેશરથી જેમાં મહંમદપુરા,ગોકુલ નગર,મુમતાઝ પાર્ક , સંતોષી વસાહત,કસક, શક્તિનાથ,વસાહત, ફાટાતળાવ જેવા વિસ્તારોમાં સ્થિતિ વિકટ છે.પાણી આવવાનો પણ કોઈ નિશ્ચિત સમય નથી વારંવાર અચાનક સમય બદલી નાખવામાં આવે છે જેના કારણે નોકરિયાત વર્ગ અને મહિલાઓને ભારે હાલાકી પડે છે.પાણી એ જીવન જરૂરિયાત છે.ઉનાળામાં પીવાનું પાણી ન મળે તે નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ છે.નિયમિત વેરો ભરવા છતાં નગરપાલિકા નાગરિકોને પૂરતું પાણી આપવામાં નિષ્ફળ રહી છે.એટલે ભરૂચની જનતા વતી અમો કોંગ્રેસના આગેવાનો , હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યઓની માંગણી છે કે શહેરના તમામ વોર્ડમાં દિવસમાં બે વખત, નિશ્ચિત સમયે, પૂરતા પ્રેશરથી પાણી વિતરણ શરૂ કરવામાં આવે.
આ સમસ્યાને ગંભીરતાથી લઈ નક્કર કાર્યવાહી કરી સમયસર પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નાગરિકોને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.




