ભરૂચ,
ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમલેશ્વર બ્રાંચ કેનાલને રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેનાલ બંધ રહેવાના કારણે ભરૂચના અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તળાવમાં 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે અને પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.




