જંબુસરના ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ પર તવાઈ

SHARE:

– અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના બેફામ ખોદકામ સામે તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથધરી છે.ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના કારોબાર પર વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ માટી અને ખનીજ સંપત્તિનું મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કાર્યવાહીમાં અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખાસ વાત એ છે કે માત્ર બે દિવસ અગાઉ જ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની શાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂ-માફિયાઓ બેફામ બની ગયા છે? કે પછી તંત્રના ડર વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

દરોડા દરમ્યાન એક JCB મશીન અને બે ટ્રકો કબજે લેવામાં આવ્યા હતા.જેમાં JCB નંબર GJ-16-BS-5380, ટ્રક નંબર GJ-07-Y-1003 અને ટ્રક નંબર GJ-17-UU-8886નો સમાવેશ થાય છે.તમામ વાહનોને જપ્ત કરીને વેડચ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર માટી ખોદકામ, ખનીજ ચોરી અને ભૂ-માફિયાઓની પ્રવૃત્તિઓ સતત ચર્ચામાં રહી છે.અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર ખોદકામના બનાવો અટકવાનું નામ લેતા નથી.ત્યારે તંત્રની આ કાર્યવાહી બાદ હવે સવાલ એ છે કે શું ભૂ-માફિયાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી થોડા દિવસો બાદ ફરીથી ગેરકાયદેસર ખોદકામ શરૂ થઈ જશે?હાલ સમગ્ર પંથકની નજર તપાસના આગામી તબક્કા અને તંત્રની આગળની કાર્યવાહી પર મંડાઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!