ડીઝલની ગંભીર અછતના કારણે ભરૂચ જિલ્લાના રાજપારડી સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ સંકટમાં મુકાયો

SHARE:

– સ્થિતિ વધુ વણસતા ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી

ભરૂચ,

ભરૂચ જિલ્લાના રાજપારડી સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ ડીઝલની ગંભીર અછતના કારણે સંકટમાં મુકાયો છે. છેલ્લા 10થી 12 દિવસથી ક્વોરીઓમાં ઉપયોગમાં લેવાતી ભારે મશીનરી, ડમ્પર અને ટ્રકો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન થતાં ઉત્પાદન અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.સ્થિતિ વધુ વણસતા ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ રાજપારડી વિસ્તારમાં અંદાજે 48થી 50 જેટલી ક્વોરીઓ કાર્યરત છે, જેની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 500થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. જોકે હાલ ડીઝલની અછતને કારણે ક્વોરીઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે.

અગાઉ સરકાર તથા પેટ્રોલ પંપો મારફતે બેરલમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, પરંતુ હાલ અમલમાં આવેલા નિયમોને કારણે ભારે મશીનરી માટે જરૂરી ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ક્વોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને મશીનોને પેટ્રોલ પંપ સુધી લઈ જવું શક્ય ન હોવાથી કામગીરી પર સીધી અસર પડી રહી છે.

જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ક્વોરીઓ બંધ કરવાની ફરજ પડશે.જેના કારણે માત્ર ક્વોરી ઉદ્યોગ જ નહીં પરંતુ દહેજ અને ઝગડિયા ઔદ્યોગિક વિસ્તારો માં ચાલતા વિકાસ કાર્યો, રોડ-રસ્તા અને અન્ય સરકારી બાંધકામ પ્રોજેક્ટોને પણ ફટકો પડી શકે છે. બાંધકામ માટે જરૂરી મટીરીયલનો પુરવઠો ખોરવાતા અનેક વિકાસ કામો અટકી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ ક્વોરી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા પરિવહન ક્ષેત્ર માટે વિશેષ ડીઝલ ક્વોટો ફાળવવાની, પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણની અસરકારક દેખરેખ રાખવાની તેમજ મજૂરોની રોજગારી અને ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!