વિલાયત ખાતે લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

SHARE:

ભરૂચ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે લુબ્રિઝોલ કોર્પોરેશન અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સ્થાપિત અત્યાધુનિક CPVC રેઝિન ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારત વિકાસની રાજનીતિના નવા યુગમાં પ્રવેશ્યું છે અને ગુજરાતને તો તેમના નેતૃત્વનો અઢી દાયકાથી વધુ સમયનો લાભ મળ્યો છે.ગુજરાતે હંમેશા વિકાસલક્ષી નીતિઓ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગમૈત્રીપૂર્ણ અભિગમ દ્વારા દેશ-વિદેશના રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે.વાયબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી રાજ્યએ વિકાસના નવા દ્વાર ખોલ્યા હતા.આજે પાણી, રોડ નેટવર્ક,લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સુવિધાઓના ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે.તેમણે કહ્યું હતું કે, ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સામાજિક અને પર્યાવરણીય વિકાસને પણ સમાન પ્રાધાન્ય આપે છે.રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન અને પ્રગતિશીલ નીતિઓના પરિણામે વિશ્વસનીય પોલિસી-ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતની ઓળખ બની છે.ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે સ્થાપિત આ અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટ વિકાસને નવી દિશા આપશે. ગુજરાત દેશના કેમિકલ ક્ષેત્રમાં આશરે ૩૩ ટકા જેટલી ભાગીદારી ધરાવે છે અને આવા નવા ઉદ્યોગો રાજ્યની ઔદ્યોગિક શક્તિને વધુ મજબૂત બનાવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ ગુજરાતના વિકાસના ઇતિહાસમાં નવા અધ્યાય સર્જશે. ઉદ્યોગ, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપતી નીતિઓ દ્વારા રાજ્યને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત બનાવશે.

 

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતી આવી યોજનાઓ હવે ‘મેક ફોર વર્લ્ડ’ના વિઝનને પણ ગતિ આપી રહી છે. ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ અને રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણને કારણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રાજ્યમાં રોકાણ કરવા આગળ આવી રહી છે.આવા મોટા ઔદ્યોગિક પ્રકલ્પોથી માત્ર રોજગારીની તકો જ ઊભી થતી નથી, પરંતુ MSME એકમો, સ્થાનિક ઉદ્યોગો અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રોને પણ વિકાસની નવી તકો મળે છે. આ પ્રકારના રોકાણો સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મુખ્યમંત્રીએ ઉદ્યોગોને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવતા સસ્ટેનેબલ અને ભવિષ્યલક્ષી વિકાસના મોડેલ અપનાવવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સંતુલનથી જ સર્વાંગી અને ટકાઉ વિકાસ હાંસલ કરી શકાય છે.

આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રુપના ગ્લોબલ કેમિકલ્સ બિઝનેસ હેડ અને CEO જયંત ધોબલેએ જણાવ્યું હતું કે “આ પ્રોજેક્ટ ગ્રાસિમની મેન્યુફેક્ચરિંગ અને અમલીકરણ ક્ષમતાને લુબ્રિઝોલની અદ્યતન ટેક્નોલોજી સાથે જોડે છે. તેના દ્વારા ભારતીય બજારને વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી CPVC સામગ્રી ઉપલબ્ધ થશે તથા દેશમાં સ્કેલેબલ કેમિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વિકાસને વેગ મળશે.”લુબ્રિઝોલ ભારતમાં તેના તમામ ઉત્પાદન એકમોમાં સલામતી અને પર્યાવરણ સંરક્ષણના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરવા પ્રતિબદ્ધ છે.જવાબદાર સંસાધન વ્યવસ્થાપન, પર્યાવરણમૈત્રી ઉત્પાદન પદ્ધતિઓ અને વૈશ્વિક સલામતી ધોરણોના અમલ દ્વારા કંપની ટકાઉ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.

લુબ્રિઝોલ કોર્પોરેશન અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સ્થાપિત વિશ્વસ્તરીય ક્લોરિનેટેડ પોલીવિનાઈલ ક્લોરાઈડ (CPVC) રેઝિન ઉત્પાદન પ્લાન્ટ ભારતમાં CPVC ઉત્પાદન માટે સૌથી વધુ સ્કેલેબલ અને સંકલિત ઉત્પાદન વ્યવસ્થાઓમાંની એક નવી વ્યવસ્થા ઉભી થઈ છે,જે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લમ્બિંગ અને પાઇપિંગ સોલ્યુશન્સ ક્ષેત્રે કંપનીના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. આ પ્લાન્ટ દ્વારા સ્થાનિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાવાળા CPVC રેઝિન અને કમ્પાઉન્ડ્સનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ રહેણાંક, વાણિજ્યિક તથા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાઇપ અને ફિટિંગ્સના ઉત્પાદનમાં થાય છે. આ સંકલિત ઉત્પાદન માળખું સપ્લાય ચેઈનની મજબૂતાઈ વધારશે અને દેશમાં સુરક્ષિત જળ પુરવઠા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના લક્ષ્યોને સહકાર આપશે.

આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,જિલ્લાના અગ્રણી પ્રકાશ મોદી સહિત સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!